નમોનું નમામિ દેવી નર્મદે !

વર્તમાન પ્રવાહ
સુરત અને દમણથી પ્રકાશિત ગુજરાતી દૈનિક
તા. ૧૦-૮-૨૦૧૩
વર્તમાન પ્રવાહ- આપણો, સૌનો અરીસો
ભરત શાહ, ૯૮૨૫૦૯૧૬૭૮
સુરત

નમોનું નમામિ દેવી નર્મદે !
ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં લોકાયુક્તના પ્રશ્ને જસ્ટિસ મહેતાએ હોદ્દો સંભાળવા ઇન્કાર કરવાથી નમોની આબરૃ જરા તરા બચી ગઇ છે. દેશનો વડાપ્રધાન ક્યારે થાઉં અને ક્યારે દેશનો વિકાસ કરી નાખું એની લાહ્યમાં અશ્વમેઘ કરવા નીકળેલા નમોએ હારમાં જીત અને જીતમાં હાર એવી બેઉ લાગણીના કંટાળાજનક અનુભવ કર્યા હશે ! નમોનો અહમ્ કેવડો હોય અને એ શું તે ફક્ત ગુજરાતની જનતાએ જોયું જ નહિ, વકીલોને જે રોકડા પરખાવ્યા તેનો માર પણ ખાધો ! રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચેની આ કાયદાની છણાવટની લડાઇનો ખર્ચો ગુજરાતની તળિયાંસાફ થયેલી તિજોરી માથે જ હોવાનો એમાં કોઇ શક નથી. બંધારણ અને કાયદાનાં ફીફાં ખાંડયાં પછી ગુજરાતમાં કાયદાનું શાસન છે ક્યાં એવો પ્રશ્ન તો કોઇ અજાણ્યો જ ભૂલથી કરે. હવે ધોળિયાઓ અને કેસરિયાઓ જસ્ટિસ મહેતા પાણીમાં બેઠા કે તેમણે બરફથી વધુ ઠંડા પાણીથી માથાંબોળ સ્નાન કર્યું તે બાબતે ટ્વિટરથી છાપાં સુધી જંગ લડશે… ધોળિયાઓ બેસણું રાખવું કે ફટાકડા ફોડવા તેવી વિમાસણમાં પડયા છે અને કેસરિયાઓ હવે નમો શું કરે છે, કહે છે તેની વાટ જુએ છે.
લોકસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે આવી પડે તેમ છે તે સંજોગોમાં કેસરિયા સેવકો બૂથ લેવલના અને તે પછી શેરી મહોલ્લા લેવલના માઇક્રો માઇક્રો પ્લાનિંગમાં પડયા છે. જે ધારાસભ્યો અને સાંસદો નમોની મરજી વિના બગાસું પણ ખાઇ શકતા નથી તે બધા હવે આ માઇક્રો માઇક્રો પ્લાનિંગના અમલ માટેના રૃપિયા ક્યારે આવે છે તેની ચાતુરતાથી વાટ જોઇ રહ્યા છે. ધારાસભાની ચૂંટણી માટે તો સખીદાતાઓને બાવા બનાવ્યા હવે કોનું મુંડન કરવું તેની વિમાસણમાં પડયા છે. રોજ સવારે કૂકડેકૂક કરતો મરઘો ભૂખો તરસ્યો થાય ત્યારે દાણા પાણીની આશાએ કકળાટ કરે ત્યારે તેનો માલિક કહે કે તારા દાણાપાણીની જોગવાઇ જ જો મારે કરવાની હોય તો તું મરઘો શા કામનો ? મરઘી તો હવે તારા વિના પણ ઇંડાં આપશે… તારા કરતાં તો ગધેડો સારો… લોકોના ઉકરડા ચોખ્ખા કરીને સરકારી પાણી પીને ફરજ બજાવવા હાજર… નમો તો પાછા કવિ, લેખક અને ગણાય તેટલાં છાપાંના ભૂતિયા બે નંબરી માલિક ! નમોની ચેનલ એર પર રહેવા માટે નમોના રૃપિયા પર આધાર રાખતી નથી તો કેસરિયા ધારાસભ્યો અને સાંસદો શેરી મહોલ્લા લેવલના પ્લાનિંગના ખર્ચા પાણી માટે નમો તરફ કે પક્ષ તરફ નજર માંડવાની હિંમત કઇ રીતે કરે ? ચૂંટણીમાં તમે ચૂંટાયા તે કોના લીધે ? તમને ટિકિટ કોણે આપેલી ? કેવી રીતે આપેલી ? તે માટેના દૂધે ધોયેલા રૃપિયા તમે ક્યાંથી લાવેલા ? કોઇક કાંતિલાલ કે રાજા બાદશાહ કે લેન્ડમાર્ક કે યુટોપિયા કે ધોળે દિવસે લોકોને તારા બતાવનારા નરોત્તમને કે પાનખરમાં વસંત દેખાતે તેવા મોટા ગજવાળા ડબલ ઢોલકી વગારનારાને પકડો ભાઇ… આમાં તો આપણે લોકોનું નાક દબાવીને જે સેવા કરેલી અને મેવા એકઠા કરેલા તે બધા એર ટાઇટ બરણીઓમાંથી કાઢવા પડે તેવા સંજોગો પેદા થયા… આ નમો તો ખરી બલા છે ! એને કોઇ ધરાવ કે ઉલાળ નહિ પરંતુ આપણે ક્યાં સુધી કેટલા દિવસ રાત લોકોના બારણે વખત કવખતે ટકોરા મારવા કે ભાઇ આપણા દાળરોટીનો પણ જોગ કરશો તો ભગવાન તમારું ભલું કરશે !
આ ભગવાનને પણ તે શું કહેવું ? પેલા પીસીને શું સુઝાડયું કે એણે એના મોંઘાદાટ પીસીમાં જોઇને સુરતના અધિકારીઓને દોડતા કર્યા અને ભલભલા રથી, મહારથીને રીંઢો ભૂલીને રાંઢવા શોધતા કરી દીધા. પેલો શિંદે બેઠો બેઠો અમારી બધી ચટાઇ ખોલવા અને તેમ નહિ થાય તો તેને કાતરી કાઢવા સીબીઆઇના ઉંદરડાને છૂટા મૂકી દીધઆ છે… હવે પેલો સલમાન એની ખુરશી પર ફેવિકોલથી ચોંટી જવા નમો, અમિત શાહ અને આડા ચાલતા પોલીસવાળાઓની બધી કોલ ડિટેલ્સ અમેરિકાથી લાવવાની વેતરણમાં સુજાતાને દોડાવતો થઇ ગયો છે. અરે ભાઇ ! એને જરા નવીસવી ખુરશી પર તો બેસવા દે ને ! એફબીઆઇ અને સીઆઇએ હવે નક્કી કરશે કે કેટલી કોલ ડિટેલ્સ સોનિયા માદામને આપવી જેથી તે અમેરિકાને બદામ ખાતું નહિ કરે ! નમોને એવું ખાસ કહેવાનું કે ભાઇ જ્યાં જાવ ત્યાં વેનિટીવાન તૈયાર રાખો, કમાન્ડો નહિ હશે તો ચાલશે ! કેમ ? તમારું રક્ષણ નહિ કરે અને કો’ક તાલિબાની પાગલ તમને શહીદ બનાવી દે તો તમારી સ્મૃતિની સંગાથે કોંગ્રેસનું ઉઠમણું થઇ જાય. કઇ રીતે ? ભૂલી ગયા ? ઇંદિરા ગાંધી સ્વર્ગે સીધાવ્યા, ત્યારે એકલા શીખો જ હજારોની સંખ્યામાં શહીદ નહિ થયેલા, સંસદમાં કોંગ્રેસને, ભૂલ્યા રાજીવ ગાંધીને, જે બેઠકો મળેલી તેને પણ પાછળ રાખે તેવી બેઠકો નમોની સ્મૃતિમાં ભાજપને મળી જાય. રાજીવ રત્નને પેલી ધનુડી અને મુરુગને શહીદ બનાવ્યા ત્યારે શું થયેલું તે તો કોંગ્રેસવાળાને બરોબર યાદ છે એટલે ભાઇ નમો ! તમો હવે કોઇપણ કમાન્ડો વિના ભયમુક્ત, બનીને આખા ભારતને કોંગ્રેસમુક્ત, ગાંધી (નહેરુ) મુક્ત, ભૂખમરા મુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત, ભોજનમુક્ત કરવા અને કાળિયો કંદ ખાવાની ટેવ પાડવા ભ્રમણ કરો. તમને ગોળી, બોંબ તો શું કોઇ કાંકરીચાળો પણ નહિ કરે તેની ગેરંટી આ સોનિયા- શિંદે- વિ.વિ. આપે છે. જૂનો ઇતિહાસ ભૂલો, વિવેકાનંદને અભરાઇએ ચડાવો ઇંદિરા- રાજીવ ગાંધી માતાપુત્રની જીવનકથા વાંચો અને આત્મસાત કરો.
આત્માના કલ્યાણ માટે તો ભાઇ નમો ! તમોએ ફક્કડગીરી અને અલખનિરંજનના જાપને છાતીએ ચાંપ્યા પણ આ દરોડાવીરોનું કંઇ કરો… ભરચોમાસે, વરસાદની ગુજરાતભરની હેલી વચ્ચે તમે દુકાળ સમયની રાહતો અમારા રણ જેવા પ્રદેશો માટે દિલ્હી દરબારે માંગી આવ્યા. હવે એ વરસાદને બાંધો ! દક્ષિણ ગુજરાતની બધી રેલ ક્યારે આવેલી અને આવે તે તમારા બૂથ લેવલવાલાઓને યાદ રાખવા કહો… દાસને કહો કે બધી ભાંગફોડ બંધ, હસમુખને કહો કે દારૃવાળા પર દરોડા પાડયા વિના હસતું મોં રાખે અને અમને રડતા નહિ કરે, સેજુલને કહો કો ભાઇ તું સેજ પર પડયો રહે, મોજ કર, ટિક્કાચિક્કા ખાધા કર, અસ્થાનાને કહો કે બધા આઇપીએસને ખુરશી અને પગારમાં જ આસ્થા રાખવા જણાવે, શિવહરેને કહો કે જય જય શિવશંકરના જાપ કરે… આ શ્રાવણ મહિનો તો એના માટે જ છે ! નવી જૂની કલેક્ટર કચેરી નજીક શિવજી કુટુંબ સહિત હાજરાહજૂર છે. બધા બાબુઓ એક વાત સમજે… જો તમે મને મદદ કરશો… ચૂંટણી જીતવામાં જ સ્તો… તો કૂવામાં હશે તો હવાડામાં આવશે… ક્લોરિનની ભંયકર વાસવાળું પાણી તમને નહિ પાઉં તેની ખાતરી… મારી નર્મદા માના સોગંદ… નમામિ દેવી નર્મદે… આ તો ભાઇ, નમો, થોડામાં ઘણું…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s


%d bloggers like this: