કાબરચીતરી દાઢીની કમાલ

i quote,
“વર્તમાન પ્રવાહ
સુરત અને દમણથી પ્રકાશિત ગુજરાતી દૈનિક
તા. ૧3-૮-૨૦૧૩
વર્તમાન પ્રવાહ- આપણો, સૌનો અરીસો
ભરત શાહ, ૯૮૨૫૦૯૧૬૭8
કાબરચીતરી દાઢીની કમાલ
ગુજરાત અને દેશભરની નમોભક્ત કેસરિયા જમાત અને ખાસ તો અમેરિકામાંની પખવાજ ઢોલકવાળી ટોળકી ચિંતામાં પડી ગઇ છે. નમોના ખાસમ્ ખાસ રાજેન્દ્રકુમાર અને અંતર્ધાન થવાની કળાના નિષ્ણાત પાંડેજીને જ્યાં હોય ત્યાંથી પકડી લેવાની સૂચના ગુજરાત રાજ્યના પોલીસવડાએ આપવી પડી છે, કેમ ? અંતર્ધાન થઇને વારતહેવારે છાપાંઓના પહેલા પાને ચમકતા પાંડેજીને મળતી પ્રસિદ્ધિથી સીબીઆઇવાળા ભડક્યા, કોરટ દરબારવાળા વિફર્યા અને સીબીઆઇ દ્વારા ગુજરાત પોલીસને વિનંતી કરી કે આ પાંડેજીની ધરપકડ કરવામાં મદદ કરો. ફિલ્મી અમિતાભ તો પૈસાનો ડુંગર જલસામાં પહેલાં કરશે અને તે પછી ગુજરાતની ખુશ્બુ ફેલાવશે ! પણ આપણા પોલીસવડા એટલે કે રીયલ લાઇફના અમિતાભને હવે સપાટો બોલાવવાની તક મળી છે ત્યારે શું થશે ?
આવનારા દિવસોની કલ્પના કરીને હવે કાળી દાઢી અને ધોળી દાઢી અમેરિકાના વીર પ્રિઝમવાળા દેવની માનતા રાખવાનું વિચારી રહ્યા છે. એડવર્ડ સ્નોડેને વટાણા વેરી કાઢયા કે તમે માંગો તેના ટેલિફોનિયા કે મોબાઇલિયા પ્રેમાલાપ અમે તમને આપી શકીએ ! સમયનું કોઇ પણ બંધન નહિ. કાળી અને ધોળી દાઢી પોતાનાં અને સરકારનાં બધાં લાગતાં વળગતાં ફીંડલાં રફેદફે કરીને નિશ્ચિંત થયેલા કે કોની માએ સવાશેર સુંઠ ખાધી છે કે કોઇપણ પુરાવા પગર અમને પાંજરે પુરે ?! સ્નોડેને જે સુરસુરિયું છોડયું તેનાથી મનમોહનજીને મુંઝવણમાંથી ઉકેલ મળી ગયો અને જગદંબાને કાનમાં રેડયું કે સલમાનને કામે લગાડો ! જરૃર પડે તો ખાસમ્ ખાસ વિમાન દ્વારા અમેરિકા મોકલો… ખાલી અફવા ફેલાવીશું તો પણ આ કેસરિયા જંગબહાદુરને વાયુ થઇ જશે. એ માટે દિગ્વિજયી વીરને છૂટો મેલવાની પણ કોઇ જરૃર નહિ. અમેરિકાવાળા પણ તાલી પર તાલી દઇ રહ્યા કે તાજપોશીની તૈયારી કરવા દો, ત્યાં ખરે ટાણે જ હવાઇ ફોડીશું. પેલો હેડલીવાળો ઇલાજ થોડે થોડે દાડે ગડગડાટી બોલાવે છે તેવું જ કંઇક… પાંજરે પુરાયેલા કસબનો બધો કસબ નીકળી ગયો હવે શું ? તેવા જ બીજા ગુજરાતી સિંહને હવે તાજનો સાક્ષી બનાવો… વણજારાસાહેબ પણ કંટાળ્યા કે આ શું, અમારે જેલના ચાંચડ માંકડ મચ્છર ખાવાના અને તમે બધો માલ હજમ કરીને રાજગાદીએ ફેવિકોલ લગાડીને ચોંટી જવાના ? કવિતા લખું તો સાલું વાંચવાની પણ મારે જ ? ગાંઠનાં ગોપીચંદન કરીને એને પબ્લિશ પણ મારે જ કરવાની ? અને નમોનાં કવિતડાં આર્ટ પેપર પર છપાય, એને સ્પોન્સર કરનારા પણ મળે અને છાંદસ- અછાંદસ બધું નમોના નામે છપાઇને વાહવાહ પામીને પસ્તીમાં જાય ! એનું પણ વંચાય નહિ અને મારું પણ વંચાય નહિ… પણ વાહવાહ એની કેમ કરાય ?
પાંજરામાંથી નીકળવાનો જોગ તો થાય ત્યારે ખરો પણ તે પહેલાં મુંબઇની જેલમાં હવાપાણી ફેરબદલ કર્યા તેનો ગુણ શરીરે અને ખાસ તો મગજ પર દેખાયો ખરો!
આ માળા સીબીઆઇવાળા ખરા નીકળ્યા… મને બુરાવાળો મગજ ખૂબ ભાવે તે કશેથી જાણી લાવ્યા અને તે આપ્યો કે વણજારાભાઇ, જરા આ ખાવ અને કંઇક યાદ આવે તો બોલો… જરૃર પડે તો બ્રાહ્મી અને શંખપુષ્પીયુક્ત ચોખ્ખા સોનાચાંદીના વરખવાળી લાડુડી પણ તમારે માટે ખાસ બનાવડાવીએ… પણ કંઇ યાદ કરો… કશુંક યાદ આવે છે ? આ કાળી દાઢી અને ધોળી દાઢીએ રેચ લાગ્યો એથી હોસ્પિટલમાં દાખલ થઇ ગયા… પેલા પાંડેજીની જેમ જ સ્તો… છકામકાની જોડી… સાબરમતીમાં થઇ જાડી પાડી…
પાડીનું તો વણજારાભાઇ એવું ને કે પહેલા દિવસથી જો એને રોજ ઊંચકો તો એ ભેંસ થઇ જાય તો પણ એને ઊંચકી શકાય ! બોલો અમે સીબીઆઇવાળા ઠેઠ ઇંદિરાઅમ્માના દિવસથી ચોસઠ જોગણી, છપ્પન પીર અને દાઉદદેવની આરાધના કરતા આવેલા છીએ. તમે બદામનો શીરો ખાવ અને કંઇક યાદ કરો… આ એન્કાઉન્ટરવાળી વાતમાં ખરેખર થયેલું શું ??? તમે માગો અને જો અમે તેમને રાજી નહિ કરીએ તો અમને નફ્ફટ નહિ પણ ફટ ભૂંડા કહેજો… પણ હવે કંઇક બોલો તો તમારી કવિતાઓ આખી દુનિયા વાંચશે, એની સ્વરલિપિ આ અરીસાધારક પાસે લખાવીશું, અરે ! એ માટે જોઇએ તો એ. આર. રહેમાનને લાવીશું… અરે, તમારી ઇચ્છા હશે તો સંપૂર્ણ ઢંકાયેલી હોય તેવી આપણી ઇન્ડિયન શકીરા પાસે ગવડાવીશું અને નમોના ખુશ્બુવાળાને નહિ પણ ખાન ચોકડીને તમારી કવિતાના તાલે ઠેકડા મારતી કરીશું !
સીબીઆઇના ઉંદરડા ગુજરાતની જેલમાંથી મહારાષ્ટ્રની જેલમાં કૂદે અને ઠેકડા મારે અને અમારા નમોના વીર પોલીસવાળાઓ અંદરોઅંદર એકબીજા પર વહેમાય અને લડે… બાથંબાથી નહિ… વણજારાભાઇ કવિતા લખે અને ગુણકારી મહિમાવંતને શાહ જોગ વંચાવે અને તે પતરાના ડબ્બા પર ગાઇ વગાડીને તેની કવિતા કરે… અમીનસાહેબ ડાકટરી કરવાનું છોડીને પોલીસમાં જોડાઇને ભેરવાઇ પડયા… ખોટું નહિ કરવા ડાક્ટરી છોડી તો ખાખી પહેરીને ખોટાની હારમાળા જ સર્જી દીધી… હવે કોર્ટની અપીલો અને સાઇબર ક્રાઇમના અભ્યાસુ વચ્ચે પોતાનું બીપી નોર્મલ રાખઈને તાલમેલ સાધી રહ્યા છે… બાકીના સાથીઓ કોઇ વીર સુરંગવાળો આવે અને છોડાવે તેનાં મધુર સ્વપ્નો ધોળા દિવસે જોઇ રહ્યા છે… નમોએ પસંદગીના જેલવાસીઓની ચિંતા કરી, બાકીનાને રામભરોસે છોડયા… પેલા માયાબેન અને બાબુ બજરંગી તો રાજકારણી જમાતના તો પણ કોઇ કેવટ સુદ્ધાં ખબર કાઢવા ફરક્યો નહિ… એર, ભાઇ નૌકા નદી પાર કરવા કામ આવે… નમોની નૌકા તો મધદરિયે અંતર્ધાન થઇ જાય… ફક્ત નમો જ દિલ્હી પહોંચે… અમેરિકાનો વીર પ્રીઝમવાળો અને કાબરચીતરી દાઢી કોણ વિલન બને છે તે જુઓ… આ તો થોડામાં ઘણું…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: