Builders’ Alphabets

1

વર્તમાન પ્રવાહ

સુરત અને દમણથી પ્રકાશિત થતું દૈનિક

૨૩-૭-૨-૧૩

વર્તમાન પ્રવાહ

આપણો, સૌનો અરીસો

ભરત શાહ

૯૮૨૫૦૯૧૬૭૮

બિલ્ડરોની બારાખડી અને એબીસીડી ઇ…

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાને આવકનું એક અતિ મહત્વનું પાસું જે આજ સુધી પત્રમ્, ફલમ્, પુષ્પમ્ના દૂષણને લીધે હાથવગું હોવા છતાં જોજન દૂર ચાલી ગયેલું તે ફરી યાદ આવ્યું હોય તેવું જણાય છે. તેમાં આમ તો વહીવટની નિપુણતા પ્રમાણીને બહુ હરખાવા જેવું નથી, કેમકે, કેસરિયા બ્રિગેડ જે આમ તો ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાને પણ ગણકારતી નથી. તે તેને હવે ફાવતું આવતાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદાની, ગાઇડ લાઇન્સની દુહાઇ આપવા લાગી છે ! કેમ ભાઇ, હૃદય પલટો થયો કે શું ? જાણકારો એવું કહે કે હૃદય હોય તો તેને કોઇ અસર પહોંચે ! અહીં તો બધું મગજથી અને રૃપિયાના સિક્કાના અવાજથી યા ગાંધીજીની છાપ વાળી મોટી નોટોના ફરફરાટથી ચેતન આવે !

મહાનગરપાલિકા આજકાલ હાઇકોર્ટની ગાઇડ લાઇન્સ લઇને બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો અને અમુક કિસ્સાઓમાં મિલકતદારોની બેદરકારી, કાયદાને ખિસ્સામાં રાખવાની ફાંકેબાજી અને પોતાના જ કર્મચારીઓની લાંચરૃશ્વત સ્વીકારવાની મજબૂરીની ઉપરવટ જઇને ઘડબડાટી બોલાવી રહી છે. ક્યાંક આ પ્રવૃત્તિમાં શહેરના ખાખી વરદીધારીઓ પણ પોતાની મેળે યા મહાનગરપાલિકાના કહેવાથી જોડાઇને શહેરને પુનઃ સ્વચ્છ, રોગમુક્ત કરવાનું પુણ્ય કમાવા જોડાયા છે. બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો (મહાનગરપાલિકાના પોતાના પ્રોજેક્ટના ઇજારદારો સુધ્ધાં) બિચારા માથે હાથ દઇને સાત ઝોન મળીને રૃા. ૧૩.૪૮ લાખનો ચાંલ્લો કપાળે ચોડાવીને બેઠા છે. એક બિલ્ડરને તો એવું જ્ઞાાન લાધ્યું કે હિસાબ કિતાબ કર્યા પછી બાંધકામ સ્થળે એણે કામચલાઉ હોસ્પિટલ (દશ બેડની- મેડિક્લેઇમ વાળા ધોરણ મુજબની) જ ઉભી કરી દીધી. એ મહાશય કે મહાશયોનો પથારો એવો જંગી કે એક મોબાઇલ વાન અને બે ડોક્ટરો પણ સાઇટના મજૂરો માટે રાખ્યા કે વસાવ્યા ! રખે એવું સમજતા કે આ ડેવલપર સેવાભાવી મહાજન છે. મજૂરોની ભારે તંગી, કેળવાયેલા કડિયા, મિસ્ત્રી, બેગારી, પ્લમ્બર, ઇલેટ્રીશિયન વિગેરેની ફોજને જો પોતાની સાથે વળગેલી, ચોંટેલી રાખવી હોય તો સ્પર્ધાત્મક મજૂરી ઉપરાંતની બીજી સગવડો જેવી કે રહેઠાણ, દવાદારૃ, બને તો સમૂહમાં બનતું ભોજન, ચા-પાણી, કપડાં, ગમબૂટ અને પેલી પોટલી પણ આપવી પડે, તે માટેની તૈયારી રાખવી પડે. આ તો પાછું મજૂરી ઉપરાંતની સગવડોમાં ગણાય ?! ખાનદેશી, પંચમહાલિયા, ઉડિયા અને તેલુગુ કારીગરો ઉપરાંત કાઠિયાવાડી રોજમદારીયાઓને ચોપડે રજીસ્ટરમાં ચડાવવાના, રીતસરના સહી અંગુઠા લેવાના, સામૂહિક વીમા યોજનાના વીમેદારો બનાવવાના, અકસ્માત વખતે મળતા લાભો તેઓને પ્રાપ્ત કરાવવાના તો તે બધા શેઠને વળગીને ગ્રીનમાં વધુને વધુ ગ્રીનરી ઉમેરવા પ્રવૃત્ત થાય.

વર્ષો પહેલા ઝીણાભાઈ દરજીવાળી ટોળીને આવો ચાળો સૂઝેલો. દક્ષિણ ગુજરાતની સ્યુગરમીલોના ખેડૂત ખાતેદારોના ખેતરોમાં શેરડીની કાપણી અને આનુસંગિક કામો માટે આવતા ખાનદેશી મજૂરોના ઉત્કર્ષમાં જ દરજી આણિ મંડળીને પોતાનો ઉત્કર્ષ દેખાયેલો. ખેડૂત ખાતેદારોએ આ હંગામી, સિઝનલ મજૂરોને સહેવાની સગવડ, અનાજ, તેલ, ઘી, દવા દારૃ પુરા પાડવાની અને કપાયેલી શેરડીના વજન મુજબ રોજી આપવાની માંગ સાથે હડતાળ પડાવેલી, ખેડૂત ખાતેદારો કમરેથી બેવડ વળી ગયા. ઝીણાભાઈ આમ તો જન્મે દરજી પરંતુ એમણે આખી જીંદગી બીજાઓનાં કપડા ફાડવાનું જ કામ કરેલું. એવી સ્થિતિ થઈ કે સુગરની સહકારી મીલો જ બંધ થઈ જાય, વહેવારું ખેડૂતોએ ઉકેલ કાઢયો કે ઝીણાભાઈની મોટી મોટી માંગણીઓને જેતે સુગર ફેક્ટરી જ પુરી પાડે અને તે બધો ખર્ચો શેરડી ઉત્પાદકોના હિસાબમાંથી વસૂલ કરવામાં આવે. હવે તેમાં સોનિયા ગાંધીની કિચન કેબિનેટની ડાબેરી ટોળીએ નરેગા યોજનાનો પલીતો ચાંપ્યો એટલે ખાનદેશી મજૂરોનો પ્રવાહ વસૂકી ગયો. શેરડી રોપવા અને કાપવા માટેની યાંત્રિક સગવડો કરવાની મથામણો નાછૂટકે કરવાનો વારો આવ્યો. બાંધકામ ક્ષેત્રના મજૂરોને અસંગઠિત મજૂરોના વગેરેમાં ગણીને તેઓના લાભમાં સનત મહેતા જેવાઓ ઘણા સમયથી પ્રવૃત્ત છે. નેતાઓના તો વહાણ કેદિ ડૂબેલા કે આજે ડૂબે ? બિલ્ડરો, ડેવલપરો કંઈ જેવી તેવી માયા થોડી છે ? જાન એક ટંક જમે કે ખાઈ પીને નાચગાન કરે, બધો ભાર કન્યાના બાપની કેડ પર (ખિસ્સાં પર) જ આવે. તેમ આ બધી પાડાપંચાત આખરે તો જે રો-હાઉસ, બંગલો, ફાર્મહાઉસ, ફલેટ, ડુપ્લેક્ષ, પેન્ટ હાઉસ ખરીદનારા ગ્રાહકના ખિસ્સાને નડે. પોતાનો નફો ઓછો કરીને, ગ્રાહકને લાભ કરાવીને, મજૂરોને બધા લાભ આપવાનો સમાજવાદ કોઈ બિલ્ડર, આર્િકટેક્ટ, ડેવલપરે અપનાવ્યો હોય તો એને ફુલગુચ્છા આપીને સન્માનવો જોઈએ. છે કોઈ લાયક બિલ્ડર ? છે કોઈ એવો આર્િકટેક્ટ જેના બધા પ્રોજેક્ટ નિયમ અનુસારના બાંધકામવાળા જ હોય ?

આવો એક કે અનેક સવાલો શહેરના અને દક્ષિણ ગુજરાતના બિલ્ડરો, આર્િકટેક્ટો, ડેવલપરો અને લેન્ડ ઓર્ગેનાઈઝરોને પૂછી શકાય. જવાબ આપવાનો આવે ત્યારે અચ્છા અચ્છા નામધારીઓ શિયાવિયાં થઈને મોં સંતાડવા માંડે. ભઈશાબ, લપ છોડોને. એ જ એક જવાબ હોય. ટકોરાબંધ વાત કરે એવો કોઈ વીરલો હોય તો તે આ ઉદ્યોગમાં ટકે જ કેવી રીતે ? મજૂરોને આવી બધી સગવડો આ પહેલાં આ વ્યવસાયમાં કોઈએ આપી નથી. મહાનગરપાલિકાએ પણ આ પહેલાં આવી એકધારી તકેદારી રાખી નથી. ભલું થજો, ગુજરાત હાઈકોર્ટનું કે આખરે કોઈ કેસરિયા અને ધોળિયાના દિલોદિમાગને કરંટ પહોંચે તેવું કંઈક કર્યું. આમ તો અર્પણા મેડમના સમયમાં સુરત બિલ્ડર એસોસિયેશનમાં ૪૭૩ બિલ્ડરો, ૧૧૨ આર્િકટેક્ટ, ૪૭૬ સિવિલ એન્જિનીયર અને આર્િકટેક્ટ, ૭૪ સરકાર માન્ય વેલ્યુલરો, ૧૮૨ ઈન્ટીરીયર ડીઝાઈનરો- ડેકોરેટરો અને ૭૦ બિલ્ડર કમ ડેવલપરો નોંધાયેલા હતા. અર્પણા મેડમની કૃપાથી ચાર પાંદડે થયેલાઓએ લેન્ડમાર્ક નોંધાવ્યા, કૃપા અવકૃપાના વારાફેરાથી કેટલાક ચાર ગજના થયા, કેસરિયા- ધોળિયા હાથીઓના મહાવત તરીકેની ફરજ બજાવીને કેટલાક સાગર તરી ગયા, બે ચાર તો ચમક દમક રાખીને શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સવાયા પુરવાર થયા, બે ચાર તો રામ અને કૃષ્ણના સહારે સચ્ચિદાનંદના જાપ કરતાં કરતાં ગંજાવર કહેવાય તેવા ધોળા નાણાના ડુંગરે બેઠા. અર્પણા મેડમની આરતી ઉતારીને નમોને નમન કરતાં તરતાં કરડા ચહેરા પર વાંકડિયા મૂછ પર લીંબુ રાખીને, થોડો સમય તુરંગના ચતુરંગ જોઈ જાણીને સજ્જન બિલ્ડર થયેલા, ગાદીએ બિરાજેલા પણ છે.

શહેર ભરની અને હવે તો દક્ષિણ ગુજરાત વટીને મુંબઈ -મહારાષ્ટ્રની લગોલગ પહોંચેલા બિલ્ડરો, આર્િકટેક્ટો, ડિઝાઈનરો અને ડેકોરેટરો સાથે હવે હરીફાઈ કરવા લાગેલો નવો વર્ગ માટી, રેતી, કપચીનો વેપલો કરનારાઓનો છે. વ્યાસા સાહેબ નામના અદકપાંસ ળિયાએ કાયદાના અમલનો જે ઝપાટો બોલાવેલો તેને લીધે હવે બારોબાર બધું જમીને જાડાપાડા થયેલા આ વેપારીઓ બધાની નજરે ચડી ગયા છે. સુરતના લોકોને હીરા, સોનું, કાપડ, ઈલેકટ્રોનિક સામાન, પથારીમાંના મનોરંજન માટેનાં સાધનો, અત્તરો, વાઈન, બ્રાન્ડી, વ્હીસ્કી, ઘડિયાળો જેવી વસ્તુની દાણચોરી વિષે જાણવા જોગ માહિતી છે પણ હવે રેતી અને માટીની દાણચોરી પણ થવા લાગી છે, નમોના રાજ્યમાં શું શું થયું એની વાત કરતાં પહેલાં શું શું નહિ થયું તે વિચારો, હવે ભલા નર્મદના વારસદારો…..કલેક્ટર કમ ચીફ ઓફિસર કમ જજ એવા હોપ સાહેબે સુરતના નકશા કંડારેલા, તેમાં તે પછી કેટલાયે કારીગરોએ રંદા અને કડછા માર્યા. આરડીના હુલામણા નામે એળખાતા રમેશભાઈએ આધુનિક સુરતના પાયા નાંખ્યાં. વચ્ચેના સમયમાં પરમાર સાહેબે કંઈક સાર્થક કહેવાય તેવું કામ કરેલું. બીડી ફૂંકીને તંદુરસ્ત બનવા બનાવવા સાથે, કેશુબાપાની રાજકીય જરૃરિયાત સંતોષવા સૂર્યદેવરારાવને રાવસાહેબ બનવા દેવાયા, જગદીશને ઓવરબ્રિજોના જનક બનવા દેવાયા અને કાશીરામ રાણાની જડબેસલાક નેતાગીરીની ઈજારાશાહી નમોએ ખતમ કરી નાંખી.એ સાથે કેસરિયા અને ધોળિયા આજી માજી તરોતાજી નગર સેવકો અને નગરસેવિકાઓની અને વ્હાઈટ એન્ડ વ્હાઈટ રોકડપટુઓની ભયંકર જમાત ઊભી થઈ ગઈ. આ બધા પણ બિલ્ડર એસોસિયેશનના બેનંબરી સભ્યો છે. ચૂંટાયો નથી અને જમીનના બાંધકામના વેપલામાં પડયો નથી. એવો વિકાસ કર્યો કે બે કલાકના વરસાદમાં તો શહેરભરમાં વગર રેલે રેલ આવી જાય. આ સ્થિતિ ફક્ત સુરતમાં જ નથી. નવસારી, બારડોલી, વલસાડ, વાપી, ભરૃચ- સમ ખાવાની એક જગ્યા તો બતાવો જયાં પાણીના કુદરતી નિકાલની જગ્યા આ વિકાસવીરોએ રહેવા દીધી હોય….

આ તો થોડામાં ઘણું…….

Advertisements

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s


%d bloggers like this: