Roadmap for Public Service

વર્તમાન પ્રવાહ
સુરત અને દમણથી પ્રકાશિત ગુજરાતી દૈનિક
તા. ૧૮-૭-૨૦૧૩
વર્તમાન પ્રવાહ આપણો, સૌનો અરીસો
ભરત શાહ, સુરત
જાહેર સેવાનો રાજમાર્ગ
ફોર્જરી, વિશ્વાસઘાત,છેતરપિંડી, ઠગાઇ, બોગસ દસ્તાવેજ, ગેરકાયદેસર કહેવાય તેવી પ્રવૃત્તિઓના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. પોલીસ ફરિયાદ અને ત્યારબાદ કોર્ટ કેસ યા પહેલા કોર્ટ કેસ અને ત્યારબાદ કોર્ટના હુકમથી પોલીસ તપાસ હવે રાબેતા મુજબની બાબતો છે. ચિંતાજનક બાબત એ છે કે આ પ્રકારના ગુનાઓમાં ફરિયાદી- આરોપી તરીકે “હાઇ સોસાયટી”ના કહેવાય તેવા લોકો વધુને વધુ પ્રમાણમાં સંડોવાઇ રહ્યા છે. આવી વ્યક્તિ કોઇપણ સંજોગોમાં એવું નહીં કહી શકે કે અમે શું કરતા હતા તે અને જે કરતા હતા તે ખોટું, કાયદાના ધોરણો મુજબનું નથી/ નહોતું તે અમને ખબર નહોતી ! ઓછું ભણેલા અને હિસાબ કિતાબમાં બે છેડા મેળવવામાં જ ચિંતાગ્રસ્ત રહીને પ્રવૃત્ત રહેનારાઓ આવો બચાવ કરે તે વાત માનવા જોગ છે પણ મોંઘીદાટ ‘ફોર વ્હીલર’માં ફરનારા, એવા જ કિંમતી સેલફોન, આઇપેડ, ટેબ્લેટ, લેપટોપ વાપરનારા કાયદો અને તેની આંટીઘૂંટી નહિ જાણીને કાયદાને અને તેની વ્યવસ્થા એટલે પોલીસને સુધ્ધાં ‘ખરીદીને’ કે ‘રાજકીય દાબદબાણ’માં લાવીને બધું ‘મેનેજ’ કર્યાનો ફાંકો રાખતા હોય છે.
સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં ગુંડા તત્ત્વો જે રીતે ફુલ્યા ફાલ્યા છે તે જોઇ, જાણીને સમજીને આઘાત પહોંચે તેવું છે. કાયદાને હાથમાં લેનારા કે ‘બધું મેનેજ’ કર્યાનો યા ‘વહીવટ’ કર્યાનો ફાંકો રાખનારાને રાજકારણી તત્ત્વો, ધારાસભ્યો, સંસદ સભ્યો સાથે સારા સારી હોય, એકબીજાને ‘ઓબ્લાઇજ’ કરતા હોય યા દરેક પ્રકારના કામ કરવા કરાવવાનો વહેવાર ધરાવતા હોય ત્યારે ફાવતું આવે છે. પરંતુ આવા તત્ત્વોને પ્રેરણા આપનારા કોણ હોય છે ?
ઘણા કિસ્સામાં નાની ઉંમરે સીધી કે આડી રીતે યા વ્યવસાયમાં સફળતા મેળવીને, દરેક પ્રકારના વેરાઓ ભરપાઇ નહિ કરીને (યા થોડા ઘણા અંશે ચૂકવીને) પૈસાપાત્ર થયેલા ઇસમોની સંખ્યા ખાસ્સી છે. આવા ‘નવધનિકો’ ગાડી-બંગલા, વાડી વજીફા, મોજમજા ભરપેટ કરી લે તે પછી પ્રસિદ્ધિ અને ર્કીિતની ભૂખ સંતોષવા સમાજસેવાનો ‘ધંધો’ શરૃ કરે. સમાંતર રીતે કથા પારાયણની પ્રવૃત્તિ પણ ચલાવે. તે પછી કાયમી સતત એકધારી આવક(બેનંબરી) ચાલુ રહે તે માટે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સેવા કરવા ઝંપલાવે.બેનંબરના પૈસાથી ફાટફાટ થતી તિજોરીની દયા ખાવા, શિક્ષણ-આરોગ્યની સેવા માટે જરૃરી જમીન ખરીદે ! મકાનની સગવડ થઇ જાય એટલે ‘સેવા’ શરૃ! આ યજ્ઞા પહેલાં એક ટ્રસ્ટ બનાવાય અને તેની ૧૯૫૦ના સાર્વજનિક ટ્રસ્ટોના કાયદા હેઠળ નોંધણી કરાવાય. જે તે સમયે સમાજમાં પ્રતિષ્ઠા ધરાવનાર અને પૈસેટકે સુખી હોય તેવા સજ્જનને સમજાવીને યા સેવાની વાતોની આમલી પીપળી બતાવીને ચેરમેન બનાવાય. પોતે સંબંધિત ટ્રસ્ટમાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે રહે અને કુટુંબના ભાઇ ભત્રીજા, પુત્ર, પુત્રી,પત્ની, પુત્રવધુ યા જમાઇ જે તે ઉપલબ્ધ હોય તેને ટ્રસ્ટી બનાવી દેવાય. મૂર્ખ યા ભોળા યા ગણતરીમાં પાકા હોય તેવા સખીદાતાઓને શીશામાં ઉતારીને દાન મેળવાય. આવી દાનને ઇન્કમટેક્ષમાંથી મુક્તિના લાભનું ગાજર પકડાવાય. જમીનોમાં પણ ‘આ તો સાર્વજનિક હેતુઓ માટેની સંસ્થાની જમીન છે’ તેવા બહાના હેઠળ મહેસૂલી કાયદાઓની કલમોમાંથી મુક્તિ મેળવાય. વધારામાં રીઝર્વેશન હેઠળ મુકાયેલી કે લોચાવાળી કે સરકારી હોય તેવી જમીનોને’ઓળવી’ લેવાના પેંતરા રચાય. જો કોઇ જમીન માલિક સીધો નહિ ઉતરે તો ‘ભરવાડ’ નામ અટક ધારી આ કે તે માથાભારે ઇસમનું નામ આપીને ધમકાવાય. તે છતાં જમીન પ્રાપ્તિના પાસા પોબાર નહિ પડે તો બોગસ સાટાખત, બોગસ વેચાણકરાર, બોગસ કબજારસીદ દ્વારા કાગળ ઉપર અને પેલા ‘ભરવાડ’બંધુની ધાકમાં જમીન ઉપર પ્રત્યક્ષ કબજો મેળવી લેવાય ! આ કે તે સાચા ખોટા, નાના મોટા પોલીસવાળાને વેપલામાં સામેલ કરી દેવાય અને તેને મૂળ જમીન માલિકને પોલીસ સ્ટેશનથી દૂર રાખવાનું કામ સોંપાય ! લશ્કરી ઝડપે આવી જમીન પર ટ્રસ્ટનું મકાન પણ ઊભું થઇ જાય અને મૂળ જમીન માલિક તલાટી, મામલતદાર, કલેક્ટર, રજિસ્ટ્રાર,વકીલ અને કોર્ટના ચક્કર કાપતો થઇ જાય. આવી જાહેર સેવાના ધંધામાં પડેલા સેવાભાવીને સલાહ આપનારા વકીલને ગુનામાં સહગુનેગાર નહિ ગણાય. તે તો તે વકીલની વ્યવસાયી ફરજમાં આવતી પ્રવૃત્તિ કહેવાય અને ગણાવાય.
સંસ્થાને ધમધોકાર પ્રવૃત્તિમય રાખવા જાહેરાતો, કથા પારાયણોનો મારો ચલાવાય. કર્મચારીઓને ક્યારેય પૂરો પગાર આપવાનો નહિ. ચોપડે ઉધારાયેલી રકમ અને કર્મચારીને ચૂકવાયેલી પગારની ખરેખરી રકમ, વચ્ચેનો તફાવત જો મેનેજીંગ ટ્રસ્ટીની અને બાકીના ટ્રસ્ટી સભ્યોની બચત યા આવક ગણાય ! પેલા ચેરમેનને તો ર્વાિષક કાર્યક્રમમાં જ બોલાવવાના અને તે વખતે બધું ‘સારું સારું’ ‘સુષ્ઠુ સુષ્ઠુ’ દેખાડવાનું,બોલવાનું. કો’ક ખાટસવાદિયો ચેરમેનને રાવ કરે ત્યારની વાત ત્યારે. નેવનાં પાણી મોભે ચડે ત્યારે ચેરમેનને ભાન થાય કે ‘પેલા’ઓએ તો એમનો અને એમના નામનો ઉપયોગ જ કર્યો ! તેમના નામે ઉઘરાવાયેલા નાણાં, રાહતો, મદદો વિ.બધું પેલાઓ જમી જાય અને લોકો ‘ચેરમેનને ‘પેલાઓ’ જેવા જ ગણવા લાગે ત્યારે ચેરમેનના ફાળે બીજું શું આવે ???
‘લબાડ’, ‘હરામખોર’જેવા વિશેષણો જે ખરેખર તો પેલા ટ્રસ્ટીઓની સેવાની કમાણી તરીકે લોકોએ આપેલા ઇલ્કાબો છે તે ચેરમેનને પણ આપોઆપ લાગી જાય. ચેરમેન કરે તો વધુમાં વધું શું કરે ? કોઠીમાં મોં નાખીને રડે અને ઘરમાં કોઇ વડીલ હોય તો તે પેલાઓથી છૂટવા ટ્રસ્ટમાંથી રાજીનામું આપવાનું કહે. ચેરમેન રાજીનામું આપે ત્યારે ‘પેલા’ઓની ધરતી સરકવા માંડે એટલે ટ્રસ્ટની સભામાં તેને નામંજૂર કરી દેવાય ! નાટક તરીકે આવા રાજીનામાના પત્રને ફાડી કઢાય, પણ તે પહેલા એની નકલ કાઢી લેવાય ! જ્યારે ચેરમેન નડતરરૃપ પુરવાર થાય ત્યારે ‘પેલી નકલ’નો ઉપયોગ કરીને ચેરમેનનું નામ કમી કરી દેવાય ! આ બધી વાતમાં ચેરિટી કમિશનરની કચેરીનું નાનુ મોટું માથું સામેલ હોય પણ ખરું અને પેલાઓ પોતાના કારભારથી સરકારી પ્રાણીને દૂર રાખવા ચેરિટી કમિશનરની કચેરીને સાવ અંધારામાં પણ રાખવાની બ્લાઇન્ડ ગેઇમ રમી નાખવાનું પસંદ કરે !
આ હાલતમાં ચેરમેન મહાશય પોલીસ ફરિયાદ કરે તો પોલીસને તો પેલાઓએ પહેલેથી જ ગાંઠી લીધી હોય ! પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇને થાકે એટલે ચેરમેન મહાશય કોર્ટ ફરિયાદ કરવાનું વિચારે. કોર્ટ ફરિયાદ થાય એટલે પેલાઓ મેટર ‘સબજ્યુડીશ’છે કહીને બચાવનો પ્લાસ્ટિકનો કોટ પહેલી લે, પરંતુ, તેઓ એ ભૂલી જાય કે મીડિયા પર જ્યાં સુધી કોર્ટ પ્રતિબંધ નહિ મૂકે ત્યાં સુધી મીડિયા એ કેસની વિગતો(જેમની તેમ, કાપકૂપ વિના, કોઇ પક્ષને અન્યાય નહિ થાય તે રીતે) પ્રસિદ્ધ કરી શકે !
મજાની વાત તો એ કે પેલાઓ સામે ફરિયાદ કરનારા એક માત્ર ચેરમેન જ નથી હોતા ! બધી કીડીઓ ભેગી થઇને સાપને ચટકા મારવાનું શરૃ કરે ત્યારે પેલાઓની દશા જોવા જેવી થઇ જાય ! પરંતુ પેલાઓ એવા નફ્ફટ થઇ ગયા હોય કે કોઇ અસર વર્તાય નહિ
. કોર્ટમાંના કેસનો નિકાલ વીસ વર્ષે આવે ત્યાં સુધીમાં તો પેલા ટ્રસ્ટવાળી સંસ્થાઓને દોહીને પેલાઓ તગડા થઇ જાય, બીજી – ત્રીજી પેઢી પણ ટ્રસ્ટી થઇ જાય ! ગંગાપુત્ર ભીષ્મ રાજગાદી જતી કરે અને અપહરણ કરેલી સુંદરીઓને પોતે પરણે કે ભોગવે નહિ અને ભાઇઓને સુપ્રત કરે ! એવો અનાસક્તિ યોગ આજના ભીષ્મોને પરવડે નહિ ! હીરાનો વેપારી ગમે તેવો પ્રવીણ હોય પણ નાણાવટમાં હીરા શોધવા જાય તો તેને ગંગાસ્નાનનો લાભ આપનારા ભીષ્મો નહિ મળે તો જ નવાઇ… જેણે સેવા થકી કમાવું છે તેને માટેનો આ સચોટ રસ્તો છે. જાહેર સેવકોને અનેક શુભેચ્છાઓ…!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s


%d bloggers like this: